સાકરચંદનો દીકરો રૉબોટ(બાળવાર્તા)

March 11, 2008

 robot-1.jpg

નગરમાં હવે માણસો કરતાં રૉબોટ વધુ જોવા મળતા હતા. માણસોનું કામ ઓછું થઈ ગયું હતું. દરેક કામ હવે રૉબોટ કરતાં. રસોઈથી માંડીને મકાન બાંધકામ  કે ઘરનું નાનું-મોટું રૉબોટ પાસે કરાવવામાં આવતું. દરેક ઘરમાં દસ-પંદર રૉબોટ હતાં. રૉબોટ સસ્તા પડતાં. રૉબોટ ખરીદી શકાતાં. એક વખત રોકાણ થયું. પછી આરામ જ આરામ. રૉબોટ ભાડે અપાતા. ઑફિસમાં કામ કરવા રૉબોટ જતાં. મહિનાને અંતે રૉબોટ પગાર લાવતા. પૈસામાંથી જરૂરી ચીજવસ્તુઓ પણ રૉબોટ લાવતા. રૉબોટ રસોઈ કરતા ખરા. પણ તેઓ યંત્રમાનવ હતા. એટલે ખાવાનું કશું નહિ. સાકરચંદના ઘરમાં પંદર રૉબોટ હતા. સાકરચંદના ઘરમાં માણસો ચાર જ હતા. સાકરચંદ, તેમની પત્ની સરોજ. તેમનો છોકરો નીરવ. તેમની વહુ રાખી. ઘરના દરેક કામ માટે રૉબોટ હતો. રૉબોટનું એક સુખ કે તેને કદી ઊંઘ આવે નહિ. રાત અને દિવસ બંને તેને માટે સરખા. માણસો રાતે સૂઈ જાય. પણ રૉબોટ રાતે પણ જાગે. કામ કર્યા કરે. માણસો થાકી જાય, પણ રૉબોટ કદી થાકે નહિ. રૉબોટ કદી ગુસ્સે પણ થાય નહિ.

શરૂ શરૂમાં સાકરચંદ એમના દીકરાને કામ સોંપતા. પણ એ મૂડ હોય ત્યારે કામ કરે. મૂડ ન હોય તો ખિજવાય જાય. ઘણી વખત તો એ કામ કરવાની પણ ના પાડી દે. સરોજને પણ વહુ સાથે બને નહીં. ઘરમાં ચાર માણસો. પણ ચારેયના ખૂણા અલગ. કોઈ કોઈની સાથે વાતો કરે નહિ. પણ રૉબોટ આવી ગયા પછી સૌને શાંતિ. માણસોની હવે જરૂર નહિ. સાકરચંદ માંદા પડ્યા. તરત રૉબોટ હાજર. રૉબોટ તાવ માપે. ડૉક્ટરને બોલાવી લાવે. ડૉક્ટર પણ રૉબોટ જ હોય. સાકરચંદને તપાસે. દવા આપે. સમય થાય એટલે રૉબોટ હાજર થઈ જાય. તરત દવા આપી દે.

સાકરચંદનો દીકરો-વહુ તો આવે જ નહિ. પણ સાકરચંદને કદી બૂમ પાડવી પડે નહિ. સૌ ઘરમાં બેઠેલાં હોય. કામ કશું કરવાનું નહિ. ભીંત જેવા મોટા સ્ક્રીન પર પિક્ચર જોયા કરવાનું. મજા જ મજા. પણ સાકરચંદને દુખ થાય. દીકરો પાસે આવતો પણ નથી. દીકરો પૂછતો પણ નથી, પપ્પા, કંઈક જોઈએ છે ? રૉબોટ આખો દિવસ યસ સર, યસ સર કહેતો આસપાસ ફર્યા કરે. સાકરચંદનો જીવ મૂંઝાયા કરે. દીકરા અને વહુને ઝંખે. આમ તો દીકરા વહુને પણ કામ કશું નહિ. તેઓનું કામ પણ રૉબોટ જ કરે. પણ મમ્મી-પપ્પાને મળવાનું ગમે નહિ.

એક દિવસ સાકરચંદ માંદા પડ્યા. રૉબોટે સેવાચાકરી બહુ કરી. પણ અંતે તેઓ મરી ગયા. દીકરા પાસે તો સમય જ નહોતો. ઘરના રૉબોટ ભેગા થયા. ને સાકરચંદને સ્મશાનમાં લઈ ગયા. સાકરચંદની અંતિમ ઈચ્છા લાકડાની ચિતા પર બળવાંની હતી. વીલમાં લખ્યું હતું કે રૉબોટ જ તેમનો અગ્નિદાહ કરશે. રૉબોટને સાકરચંદ દીકરા કહીને જ બોલાવતા. લાકડા પર સાકરચંદનું શબ ગોઠવાયું. રૉબોટના હાથમાં સળગતું લાકડું હતું. છેવટે રૉબોટે દાહ આપ્યો. રૉબોટ કદી રડતો નહોતો. પણ તે દિવસે રૉબોટની આંખમાં આંસુ હતાં. સાકરચંદની ચિતા ભડ ભડ બળતી હતી.

(જનક નાયકના બાળવાર્તાઓનું પુસ્તક રૉબોટકથાઓમાંથી)


Follow

Get every new post delivered to your Inbox.