મા

March 6, 2008

maa.jpg

નાનો હતો ત્યારે

પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો,

મા વિશે નિબંધ લખો.

ત્યારે વાંચવાનો મને બહુ શોખ.

કવિશ્રી જયંત પાઠકની આ પંક્તિ

કાન આગળ મેશનું ઝીણું ઝીણું ટપકું કરે તે તો મા જ

જવાબરૂપે લખી દીધી,

અને પુસ્તકોમાંથી ચિંતનકણિકાઓની ભરમાર કરી દીધી.

મને ત્યારે પૂરા ગુણ મળ્યા હતા.

પણ સાચું કહું ?

મા વિશે ત્યારે હું કશું જાણતો નહોતો.

મોટો થતો ગયો,

ને આસપાસનું જગત બદલાતું ગયું.

પગમાં સ્વપ્નોની સાંકળ બંધાતી ગઈ, ને આંખમાં સ્વપ્નોનાં ચશ્માં.

દોડતો રહ્યો, પડતો રહ્યો,

ફરી ઊભો થતો રહ્યો, લોહીલુહાણ થતો રહ્યો.

મહાભારતનું યુદ્ધ દરરોજ લડવું પડે છે.

દરરોજ માતા ગાંધારી પાસે આશિર્વાદ લેવા જવું પડે છે.

ખૂબ મોડી રાતે જીવતો, હા જીવતો

ઘરે આવતો ત્યારે મા પૂછતી,દીકરા, આવી ગયો….?

પણ મારી આંખે તો હતાં ચશ્માં

આંખ પર કદી નંબર સેટ થયા નહિ

માતૃદેવો ભવ !’ની જાણ

એટલે ઊંઘરેટી આંખે માતાને વંદન કરતો,

એક રોબોટની જેમ.

માનો વહાલસભર હાથ મસ્તક પર.

માની આંખે ક્યાં ચશ્માં હતાં ?

પણ સાચું કહું ?

મા વિશે ત્યારે પણ હું કશું જાણતો નહોતો.

આજે હું જોઈ રહ્યો છું,

પોતાનાં બચ્ચાં માટે માળો બનાવતી ચકલીને

આજે હું જોઈ રહ્યો છું,

પોતાના તરતના જન્મેલા ગલૂડિયાને હૂંફ આપતી કૂતરીને

આજે હું જોઈ રહ્યો છું

ગાયમાતાના ધાવતા વાછરડાને

બચ બચ બચ બચ….ખટ ખટ ખટ ખટ….

હા, એ જ લાકડીનો અવાજ

મા મારી તરફ આવી રહી છે કે શું ?

અચાનક શબ્દકોષનો મા શબ્દ

જીવંત બનીને મારા લોહીમાં વહેવા માંડે છે.

મા આજે મને સમજાઈ છે

મા વિશે આજે હું જાણતો થયો છું

મારી આંખમાંથી દડ દડ વહે છે આંસુ

પણ સાચું કહું ?

આંસુ લૂછનાર મા મારી પાસે નથી.

- જનક નાયક


મૃગજળ

March 6, 2008

100_84291.jpg

એક પગલાથી આ રસ્તો ચાલશે,

જિંદગી આખી જ મૃગજળ લાગશે. 

દોસ્ત, ઈશ્વરમાં મને શ્રદ્ધા નથી,

કોણ આ હોડી કિનારે લાવશે.

 ઊંચે ચઢવું, ને પછી પડવું નીચે,

આ નિયમ સમજો તો જીવન ભાવશે.

 આયનામાં છે ચહેરાઓ અનેક,

કોણ ભીતરના હુંને બતલાવશે. 

આગ છે, પણ ક્યાં સુધી ડરશે જનક,

મૃત્યુ ક્યારેક આ ચિતા સળગાવશે.


Follow

Get every new post delivered to your Inbox.